જેમ એક ચુટકી સિંદુર ની કીમત રમેશબાબુ ને નતી ખબર એમ એક ટીપું ઓઈલ ની કીમત આજની રસોડા ની કરીનાઓ ને નથી ખબર… આજકાલ બસ એક ટીપું ઓઈલ નાખી વાનગી બનાવવી એ એક ફેશન થઇ ગઈ છે; પાતળી પરમાર બનવાની હોડો જામી છે, ટ્રેક પર દોડી પ્રસ્વેદ બિંદુઓ થી નીતરતી લલનાઓ ખુશ્બુ ગુજરાતણ કી ફેલાવી ને… જીમો(જીમ નું બહુવચન) ને તરબતર મદ મસ્ત રાખે છે…
પણ કદર દાન મહેરબાન શું સાચે તમે ઓબેઝ છો?? શું આ ઊછળ કુદ ને ડાયેટો જરૂરી છે??ડીયર આંટીઝ ઇતના દૌડકે ક્યાં દિલ્હી જાઓગી??? સુન તો લો…
આયુર્વેદ માં કહ્યું છે કે ચાલતી કે દૌડતી વખતે “ચલ સ્ફિક ઉદર સ્તન” અર્થાત નિતંબ, ફાંદઅને ઉરોજ વગેરે ઉપાંગો ચાલતી કે દૌડતી વખતે હલતા હલતા હોય તો તમે મેદોરોગ ના રોગી છો, જો નહિ તો બોસ મૂકી તો આ જીમ ને ડાયેટ ખાખરા.. તમે આના માટે બન્યા જ નથી… આ શરીર નો શુદ્ધ મેદ છે તમારું બેંક બેલેન્સ છે. અમુક અંગો ઉપાંગો માં મેદ જરૂરી છે, પહેલા વજન દાર મહિલાઓ શેઠાણી માં ખપતી, ને સુડોળ ભરેલી શીંગ જેવા શરીરો સૌન્દર્ય માં ખપતા. સમજ્યું શું ને કર્યું શું? આંખ નું કાજળ ગાલે ઘસ્યું એવો ઘાટ ઝીરો ફિગર નો કર્યો છે. પોષણ નું કામ સ્તન ની ચરબી ને ગર્ભાશય ના રક્ષણ નું કામ ઉદરસ્થ ચરબી આંશિક રીતે કરે છે. હા અહી એક બીજી વાત સમજવા જેવી છે કે ઘણી બહેનો ને માત્ર હાથ ના બાવડાં વધવા, માત્ર પેડુ નો ભાગ ફૂલી જવો કે માત્ર નિતંબ નો ભાગ વધવો વગેરે જોવા મળે છે. સ્ત્રીઓ માં માસિક દરમિયાન ખાવા પીવા ના ધ્યાન ન રાખવાથી પેડુ વગેરે માં ચરબી ભરાઈ આ ભાગો ફૂલી જાય છે, માસિક વખતે ન પચે એવા ભારે કે દૂધ ના ખોરાક લેવાથી પચતા નથી અને તેનું ચરબી માં રૂપાંતર થાય છે, આ વખતે શરીર માં લોહી માં ખાટો ભાગ વધી જતો હોવાથી આવા ખોરાક ન લેવા અને આરામ કરવો સારો….
પ્રસુતિ પછી પણ ગર્ભાશય શુદ્ધ થાય તેવા ઉકાળા ૩ મહિના લેવા, ૬ મહિના સુધી રોજ માલીશ શેક લેવા અને સુંઠ ની રાબ પીવા થી થાયરોઈડ જેવા રોગો કે મેદભરાતો નથી… વળી આવું જ પાલન માસિક બંધ થયા પછી મેનોપોઝ માં કરવાનું રહે છે તો ક્યારેય મેનોપોઝ પછી વજન વધતું નથી શરીર માં જેટલા પણ છિદ્રો છે ત્યાં બધે જ સ્નેહ-તેલ ધારણ કરવાનું કહ્યું છે. કેમકે શરીર માં બળ આપવું, ધારણ કરવું, ને શરીર ને ટકાવવું બધા કામ કરનારી ધાતુઓ સ્નેહ સમાન દ્રવ્યો થી જ બનેલી છે. સંદેશાઓ ની આપ લે કરતી નર્વસ સીસ્ટમ કે શરીર ના અંતઃસ્ત્રાવો કે પછી શરીર ના કોષ થી માંડી ને મોટા માં મોટા અંગો સુધી બધે જ સ્નેહ જ સ્નેહ છે… હાડકાં મગજ ની અંદર તો સાંધા ની બહાર ની કેપ્સુલ બધે જ સ્નેહ, જ્યાં સ્નેહ ઘટ્યો ત્યાં કકળાટ ચાલુ… એ દાંપત્યજીવન હોય, ધંધો હોય કે તમારો સાંધો હોય કટ કટ અવાજ ચાલુ…. ને આવા સ્નેહ યુક્ત શરીર ને જીવન માં એક ટીપું ઓઈલ ની વાનગીઓ થી શું થવાનું??? તેલ ઘી ના ખાવાથી કોરા પડી ગયેલા હદય ધમનીઓ માં પણ કાઠીન્ય આવી હાર્ટએટેક આવી શકે… જુના જમાના માં માંડવે ઘી પીવા સ્પર્ધા થતી, પેશીયલ ઘી પીનારા ભડવીરો ને જાને જોડાતા, લચ પચતા લાડુ ૫૦-૧૦૦ એક બેઠકે તમણ ની દાળ ના સબડકા સાથે પેટુડે પધરાવતા ભૂદેવો મોટી ફાંદ લઇ ૮૦-૧૦૦ વરસ એમ નેમ ખેંચી નાંખતા… બસ કોક ના રવાડે આ શિયાળે ના ચડશો, શરીર ની તાકાત વધે એવી કસરત કરો એવો સ્નેહ યુક્ત ખોરાક લો, એટલો જ સંભોગ કરો કે એ સ્નેહ પણ ટકી રહે… શરીર ને કામ કરવા કેટલી ગરમી જોઈએ એના માટે ઉષ્ણાંક નક્કી કરેલા છે, હિન્દુસ્તાન જેવા ગરમ દેશ માં ઊંઘ, હળવી કસરત, રોજિંદુ કામ નોકરી અને આરામ બધા ને ગણતા આશરે ૨૫૦૦ થી ૪૦૦૦ જેટલો રોજનો ઉષ્ણાંક બેસે છે, અને એ મુજબ ના ખોરાક માટે ૬૦ મિલી જેટલા રોજીંદા તેલ ઘી લેવાના થાય છે, તો જ શરીર નું સાચું સંગઠન થાય આમાં એક ટીપું ક્યાં ગ્યું?? પણ હવે તો પતિઓ ને પોલીઓ ના ટીપાં પીવડાવતી હોય એમ એક બે ટીપા માં વાનગીઓ વઘારતી ગૃહિણીઓ ક્યાંક હાર્ટએટેક, ઓસ્ટીઓઆર્થ્રારાઈટીસ, સોજા, નામર્દાઈ, ચામડી ના રોગો માટે તમે પારણું બાંધી રહ્યા છો એ ના ભૂલશો. વિટામીનો ઓગાળવા માટે અને શરીર નું જીવાણું સામે રક્ષણ કરવા આ સ્નેહ જ કટપ્પા બની કુદી પડે છે એને અવગણવો ભારે પડી શકે. જો વ્યન્ધ્યત્વ ના કારણો તપાસવા માં આવે તો ૮૦% માં જીવન અને શરીર બંન્ને માં સ્નેહ નો અભાવ જોવા મળશે. તો સ્નેહ માં ગાય નું ઘી/માખણ અને તલ નું તેલ બેસ્ટ… શરીરે ચોળો ખાવ પીવો બસ પચાવવાની તાકાત રાખો. બાકી મળતા બાજારુ તેલો જે કોલેસ્ટેરોલ કમ કરવા વપરાય છે તે બધા થી ચામડી ના રોગો અને આંખ ના રોગો થાય છે, અળસી ના તેલ હોય કે કસુંબી (Xફોલા) બધા પિત્ત વધારનારા સાબિત થાય છે. અમુક તેલ માં કરેલા મિશ્રણો થી જલોદર ને લકવા જેવા રોગો મહામારી ના રૂપ માં ફેલાયા હોવાનું જાણવા મળેલ છે. વળી એક પ્રયોગ માં ૨૭૦સે. પર ઉકાળેલા તેલ ઉંદર ને આપતા તેમનું વજન તો વધેલ પરંતુ તેમને કેન્સર અને લીવર ની બીમારી થયેલ એવા રીપોર્ટ મળેલ… તો આવા તેલો માં બનાવેલ ચટાકા ખાવાનું પણ બંધ કરવું જોઈએ…
ચાર્વાક કહે છે “યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા ધૃતમ પિબેત” સુખે થી જીવો યાર. દેવું કરીને પણ ઘી પીવો.. આ હાંફતી જિંદગી માં ભગવાને શ્વાસ પણ ગણી ને આપ્યા છે, અત્યાર થી વાપરી નાખશો ને કોક દી શ્વાસ ની પણ નોટ બંધી આવી તો શું કરશો?? જો થોડું ઘણું પણ વજન વધ્યું છે તો ભૂખ્યા પેટે ચાલી ને ઉતારો યાદ રહે જમ્યા પછી ચાલવાથી વજન વધે છે. તેના થી ચરબી બળતી નથી. ૬૪૦ મિલી પાણી ને ઉકાળી ૮૦મિલિ રહે ત્યાં સુધી બાળી નાખો તેમાં ૨૦ મિલી મધ ઉમેરી બે ચપટી સુંઠ નાખી પીવો…રોજ પેટ સાફ રાખો ને આખો શિયાળો ઉકાળી ને આઠમો ભાગ બાળી નાખેલું પાણી જ પીવો …
ને કસરત માં બેસ્ટ એટલે સૂર્ય નમસ્કાર… શરીર ની તાકાત મુજબ કરો… વજન ઘટે શરીર સુડોળ બને ને મેદ ઓગળે ઓગળે ને ઓગળે જ… ઈંટ નું બારીક ચૂર્ણ ને જવ નું ચૂર્ણ બનાવી નિતંબ જેવા વધુ ચરબી મય ભાગો ઉપર સહેજ તલ ના તેલ નો હાથ લગાવી રુંવાડા ની ઉલટી દિશા માં ઘસો બહેનો મેદ ચોક્કસ ઓગળશે… ઓવન, ફ્રીઝ, બારીક લોટ ના વપરાશ ઘટાડો અને જવ ની રોટલી અને ધાન્યો શેકી તેની વેજીટેબલ ખીચડી બનાવી ખાવ. ભૂખ્યા રહેવા કરતા પેટ ભરાઈ જાય પણ લુખ્ખાં હોય તેવા ધાન્યો ખાઈ વજન કમ કરો… પણ આડેધડ ઉપવાસ, જીમ અને ડાયેટ કરવાથી બકરું કાઢતા ઊંટ પેસી ના જાય તે જોજો… બસ આ શિયાળે બધી બાબતો માં કોક ના રવાડે ના ચઢતા… ને પેલું એક ટીપું ઓઈલ કુકિંગ ને તિલાંજલિ આપી દેજો બસ…
Add a Comment