રીમા લાગુ પછી બીજી હદય રોગ ના હુમલા થી અપમૃત્યુ પામનાર અભિનેત્રી શ્રીદેવી અચાનક કાર્ડિયાક એરેસ્ટ નો શિકાર બન્યા.દિલ ઉપર ઘણી જ ફિલ્મો થી માંડી ગીતો ગવાઈ ચુક્યા છે કેમકે દિલ હૈ કી માનતા નહિ.હદય એક સ્વાયત્ત (Autonomus) અવયવ છે.જેમ હાલ આંતરડા ને પોતાને એક મગજ હોય છે એ દિશામાં શોધો થઇ રહી છે એમ વર્ષો થી હદય ને પોતાની એક સ્વતંત્ર કાર્યપ્રણાલી છે એ સિદ્ધ થઇ ચુક્યું છે. જે પોષતું તે મારતું એ ક્રમ દિસે છે કુદરતી… જે હદય આખા શરીર માં પમ્પીંગ કરી લોહી પહોંચાડે પરંતુ જયારે તેને જ કામ કરવા લોહી પહોંચાડતી નળીઓ કોરોનરી આર્ટરીઝમાં જ્યારેખામી સર્જાય ત્યારે બ્લોકેજ, ફેઇલ્યોર, એરેસ્ટ, માયો કાર્ડિયલ ઇન્ફાર્કશન જેવી અનેક સમસ્યાઓ સર્જાય છે. ચોક્કસ ભાગ માં લોહી પહોંચતું બંધ થવાથી તે ભાગ ના કોષો મૃત-જડ થતા જાય તેને માયો કાર્ડિયલ ઇન્ફાર્કશન કહે છે.તે વધવાથી કે બ્લોકેજ મુખ્ય નળી માં હોય તો અચાનક હદય બંધ પડી જાય છે…
આયુર્વેદ માં હજારો વર્ષ પહેલા શરીર માં મુખ્ય ત્રણ મર્મો નું વર્ણન કરેલું છે. મર્મ એટલે વાઈટલ પાર્ટ કે જેમાં પ્રાણ રહે છે. જે છે હદય,બસ્તિ(કીડની સહીત બ્લેડર) અને મસ્તિષ્ક. આજે પણ આ ત્રણ ભાગ ના રોગો કે આ ત્રણ ભાગ ના ઓપરેશન માં પ્રાણ નો ખતરો ખાસ રહેલો હોય છે. જાડો હોય એને હદય રોગ વધુ થાય, ચરબી વાળા ને વધુ થાય એવું સાંભળ્યું હતું તો આ પાતળા બાંધા ના લોકો ને પણ થાય છે એનું શું?? ચાલો કારણો તપાસીએ…
- ચિંતા: સતત માણસ ને કોરી ખાનારી કોઈક ને કોઈક ચિંતા, કોઈક વાત નો સતત ભય, ત્રાસ વગેરે કારણો થી શરીર ના હદય માં રહેલું ઓજ તત્વ ઘટે છે અને હુમલો થઇ શકે. શરીર નું ઓજ કે ઓરા માપવાના કેમેરા પણ આવી ચુક્યા છે. ખુશ વ્યક્તિ અને દુઃખી ની ઓરા અભણ પણ અલગ તારવી શકે છે. અચાનક મન પર આઘાત થવાથી પણ હુમલા ના કિસ્સા બને છે. જેમ જેમ વિકાસ અને સાધનો વધતા જાય છે તેમ તેમ લોકો ની અપેક્ષાઓ વધતી જાય છે. અધીરાઈ અને ચડસાચડસી ની દૌડ અને દેખાદેખી માં પાછળ રહી જવાથી હદય જાણે વિંધાય છે. આ આઘાતો હુમલા તરફ દોરી જાય છે.
- ખોટા ઉપચારો: કોઈક પણ રોગ થાય તરત દબાવી દેવો, વધારે પડતી પાવર વાળી દવાઓ, દુઃખાવા ની દવાઓ, વિટામીન ના ફાંકડા, વારેતહેવારે શોખ ખાતર કરાવતા ઓપરેશન હદય ને ચોક્કસ નુકસાન પહોંચાડે છે.રોજ પેટ સાફ કરતા ભારે દવાઓ લેવાથી પણ હાર્ટએટેક આવી શકે કોક વાર હરડે પણ શરીર માંથી સ્નેહ ઓછો કરી વાયુ વધારી એટેક લાવી શકે. જાતે દવાઓ માટે જ ના લેવી. મેડીકલેઈમ મળતો ભલે હોય નાના નાના રોગો માં દાખલ થઈ દવાઓ ઓપરેશન કરાવવા નુકસાનકરી જ શકે
- તેલ/ઘી વિવેક: સાવ તેલ ઘી બંધ કરી કોરે કોરું લુખ્ખું ખાવાથી એટેક આવી શકે. સમજ્યા વગર ના ડાયેટ પ્લાનો, ઝીરો ફિગર ની પળોજણ તે માટે ની દવાઓ, ફિગર જાળવી રાખવા ખાવું અને પછી ઉલટીઓ કરવી, ખાલી પ્રોટીન પાવડર પી કસરતો કરે રાખવી વગેરે નુકસાન કારક ખરું જ.
ચરબી બે પ્રકાર ની છે:
- સંતૃપ્ત જે સામાન્ય કે તેથી ઓછા તાપમાને થીજેલી હોય. પનીર, ચીઝ, મોટા ભાગના તેલ, વનસ્પતિ ઘી. જે હાર્ટ માટે નુકસાન કારક છે.
- અસંતૃપ્ત ચરબી: દેશી ગાયનું ઘી, કોપરેલ, તલનું તેલ જે હાર્ટ માટે નુકસાન કારક નથી
- વ્યસન: તમાકુ લોહી નળીઓ ને કડક અને સ્થિતિસ્થાપકતા વગર ની બનાવી દે છે. ઓજ ને ઘટાડી હદય ને કોરું કરી ચોક્કસ હુમલો લાવે છે. વધુ પડતું દારુ નું સેવન પણ હુમલો લાવી શકે પરંતુ ડોક્ટર ની સલાહ થી યોગ્ય માત્રા માં દ્રાક્ષાસવ કે બ્રાંડી સારા ગણાય છે.
- કમ ખાવ, ગમ ખાવ: ઠાંસી ઠાંસી ને જમવું અને ફેશન ખાતર પંજાબી, માંસ ની વાનગીઓ ખાવી એ હદય રોગ તરફ દોરી જાય. સૂપ, સ્ટાર્ટર, ભારે ખોરાક ને છેલ્લે આઈસક્રીમ ખાવાથી ખોરાક પચતો નથી. હદય અકળામણ અનુભવે છે. જેમ આપને અકળામણ માંથી બહાર આવવા આળસ ખાઈ ફ્રેશ થઈએ એમ હાર્ટ પણ અકળાય ત્યારે દુઃખાવા રૂપે આળસ કાઢે છે જેને એન્જાઈના કહે છે…
- જાતીય સંબંધો: અતિશય જાતીય આવેગ કે ઉત્કટતા પૂર્વક સંબંધ બાંધવા, નશીલા દ્રવ્યો ની કિક લઇ સંબંધ બાંધવા કે અજાણ્યા પાર્ટનર જોડે સંબંધ બાંધવાથી હદય પર ભાર ખુબ આવે છે. અજાણી વ્યક્તિ સાથે સંબંધ બાંધતી વખતે ઘણા ને હુમલો આવ્યો હોવાના કિસ્સા પણ બનતા હોય છે. જેમ નાક ખોલવાની દવા અમુક સમય પછી આડ અસર રૂપે પોતે જ નાક બંધ કરે એમ જાતીયતા વધારતી દવાઓ હદય રોગ નો હુમલો ચોક્કસ કરે જ છે.
હાલ સફોલા નામે કરડી નું તેલ અને સુરજ મુખી ના તેલ ખાવાની સલાહો અપાય છે. પરંતુ આ આયુર્વેદ ની દ્રષ્ટિ એ ખાસ મદદરૂપ નથી તેના બદલે દેશી ઘી ની ચોપડેલી રોટલી ખાવી સારી
શું ધ્યાને લેવું?
- વાસ્તવિકતા નો સ્વીકાર કરી તણાવમુક્ત જીવન જીવો. હદય ખોલવા માટે અંગત કોઈક રાખો. બધું મૂકી સપ્તાહ માં એક વાર ધ્યાન કરી પ્રફુલ્લિત વાતાવરણ માં રહેવું… યોગ, આસનો શીખવા
- બેઠાડું જીવન મૂકી વ્યાયામ કરવા, ચાલવું દોડવું જરૂરી.ખાસ પોતાનું કામ પોતે કરવું. નજીક જવાના કામ માટે વાહન ન વાપરવું
- જીભ પર કાબુ રાખવો. જાણ હોવા છતાં ખાનાર ને હાથે કરી આફત નોતરનાર માટે બ્રહ્મા પણ કાઈ કરી શકતા નથી. વ્યસન પણ મુકવા. ચાલુ કરવા દવા લીધી હતી?તો બંધ કરવા દવા ની શી જરૂર? મન થી મક્કમ બની તમાકુ,સિગારેટ,દારૂ મુકવા. ખોટી દલીલો ના કરવી. તમે પોતે નહિ તો તમારા સંતાન પણ આનો તમારા જીન્સ થકી ભોગ બનશે એ સનાતન સત્ય છે. ગર્ભાવસ્થા માં પુરતું પોષણ ન લેનાર કે વ્યસન કરનાર માં ના સંતાનો ને ચોક્કસ હદયરોગ થાય છે.
- એક ઝાટકે કામ પૂરું કરવાની ટેવ, અધીરાઈ, ખોટી ઉતાવળ, હું જ પરફેક્ટ, સતત પ્રેશર માં કે ટાર્ગેટ ની દોડધામ માં ના રહેવું.
- કુદરતી વેગો રોકશો નહિ. ઝાડો-પેશાબ, ઊંઘ, રુદન આદિ ને રોકી ના રાખો. રડો તો મન મૂકી ધન ધનાઈ ને રડો. દિલ દઈ રડો. રોકેલો આવેગ ક્યારેક તો ઉથલો મારે જ છે. જબ વી મેટ ની કરીનાની જેમ નકામી વસ્તુઓ ને જીદગી માંથી ફ્લશ કરી નાખો. હદય માં સંઘરી રાખવાથી ચિંતા વધે એના કરતા અઠ્ઠે મારે ડાયલોગ સાથે જિંદગી જીવો.થોડા જાડી ચામડી ના બની જાવ…
- ખુબ ચાવી ચાવી ને ખાવ, બે ભોજન ના ટાઈમ વચ્ચે કાઈ ના ખાવ. ભૂખ થી થોડું ઓછું ખાવ.સમયે કકડી ને ભૂખ લાગે, પાકેલું ફળ ખરે એમ ૩-૫ મિનીટ માં મળ નીકળી જાય ને ગાદલા માં પડતા વ્હેંત ઊંઘ આવે તો તમારા સપનેય હદય રોગ નહિ જ આવે.
- નકામાં રિપોર્ટો, વારંવાર તપાસો એક્ષરે સોનોગ્રાફી થી બચો. કારણ વગર હળદર પણ ના ફાકો. ૪૦ વર્ષ પછી દર વરસે એક પંચકર્મ કરવી શરીર ની શુદ્ધિ કરો આ એક પ્રકાર ની બોડી સર્વિસ જ છે. સાચું પંચકર્મ કોને કહેવાય તે જાણી લો.અઠવાડિયે એકાદ નકોરડો ઉપવાસ કરો ઈન્ટરનેટ, મોબાઈલ, ટીવી વગરનો ખાસ નકોરડો..
- છેલ્લે એક જ્યોતિષ ની વાત. હું ખાસ માનતો નથી પણ કોઈ માનતું હોય એના માટે. ઉત્તર દિશા માં સુવાથી હુમલા ની શક્યતા વધે છે. પાટડા કે બીમ નીચે ના સુવું. ઇશાન ખૂણા માં કે પૂર્વ માં સુવું. તાંબા ના વાસણો વધુ વાપરવા. રુદ્રાક્ષ ધારણ કરવો. આ શાસ્ત્ર હ્મ્બક નથી જ ચોક્કસ ગણતરી થી રચાયેલું હોઈ આ ઉમેર્યું છે. ઉનાળો આવે છે પાકેલી કેરીઓ, લીંબુ ના સરબતો ખાસ પીજો હદય માટે સારા છે.
જાણકારી બધી રાખવી, ડોકટરો ને પ્રશ્નો નો મારો ચલાવી થકવી દેવા, ઈમરજન્સી પિલ્સ ખિસ્સા માં રાખવી. ૧૦૮ એપ્લીકેશન ડાઉનલોડ કરી લેવી.
Add a Comment